દક્ષિણ આફ્રિકાના જાેહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગમાં ૧૦ના મોત

જાેહાન્સબર્ગના બહારના વિસ્તારમાં આવેલા એક ટાઉનશિપમાં રવિવારે બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો

December 21, 2025
International
દક્ષિણ આફ્રિકાના જાેહાનિસબર્ગમાં અંધાધૂંધ ફાયરિંગમાં ૧૦ના મોત
જાેહાન્સબર્ગ, તા.૨૧, દક્ષિણ આફ્રિકાના જાેહાન્સબર્ગના બહારના વિસ્તારમાં આવેલા એક ટાઉનશિપમાં રવિવારે બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે અને અન્ય ૧૦ લોકો ઘાયલ થયા છે. ડિસેમ્બર મહિનામાં દેશમાં સામૂહિક ગોળીબારની આ બીજી મોટી ઘટના છે. આ હુમલો જાેહાન્સબર્ગથી દક્ષિણ-પશ્ચિમમાં લગભગ ૪૦ કિલોમીટર દૂર આવેલા બેકર્સડાલ માં થયો હતો.  સમાચાર એજન્સી એએફપીના અહેવાલ મુજબ, અધિકારીઓએ જણાવ્યું છે કે આ ગોળીબાર પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.  પોલીસના જણાવ્યા અનુસાર, રસ્તા પરથી પસાર થઈ રહેલા નિર્દોષ લોકોને હુમલાખોરોએ નિશાન બનાવ્યા હતા. પોલીસના નિવેદનમાં જણાવાયું છે કે, "અજાણ્યા હુમલાખોરો દ્વારા કેટલાક લોકો પર અચાનક અને અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો." ગૌતેંગ પ્રાંતના પોલીસ પ્રવક્તા બ્રિગેડિયર બ્રેન્ડા મુરિદિલીએ મૃત્યુઆંકની પુષ્ટિ કરતા જણાવ્યું કે ૧૦ લોકોના મોત થયા છે.અધિકારીઓ હાલમાં ભોગ બનનારા લોકોની ઓળખ અને અન્ય વિગતો મેળવી રહ્યા છે. આ ગોળીબાર બેકર્સડાલમાં એક ગેરકાયદેસર દારૂના વેચાણ કેન્દ્ર નજીક થયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ વિસ્તાર આર્થિક રીતે પછાત છે અને સોનાની ખાણોની નજીક આવેલો છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મહિનાની શરૂઆતમાં, ૬ ડિસેમ્બરે પ્રિટોરિયા પાસે એક હોસ્ટેલ પર થયેલા હુમલામાં ત્રણ વર્ષના બાળક સહિત ૧૨ લોકોના મોત થયા હતા. લગભગ ૬.૩ કરોડની વસ્તી ધરાવતું દક્ષિણ આફ્રિકા લાંબા સમયથી હિંસક ગુનાખોરીનો સામનો કરી રહ્યું છે. આ દેશ વિશ્વમાં સૌથી વધુ હત્યાના દર ધરાવતા દેશોમાં સ્થાન પામે છે. પોલીસના નિવેદન મુજબ, બે વાહનોમાં આવેલા લગભગ એક ડઝન હુમલાખોરોએ ટેવર્નની અંદરના લોકો પર ગોળીબાર કર્યો અને ઘટનાસ્થળેથી ભાગતા સમયે પણ આડેધડ ગોળીબાર ચાલુ રાખ્યો હતો. મૃતકોમાં એક ઓનલાઈન કાર-હેલિંગ સેવાનો ડ્રાઈવર પણ સામેલ હતો જે બારની બહાર હતો. પ્રાંતીય પોલીસ કમિશનર મેજર જનરલ ફ્રેડ કેકાનાએ SABC ટીવીને જણાવ્યું.
Sponsored
Mobile Ad