જીટીયુની વિવિધ વિદ્યાશાખાના ૩૬,૯૩૫ વિદ્યાર્થીઓને પદવી, ૭૦ વિદ્યાર્થીઓને પીએચ.ડી તથા ૧૪૭ વિદ્યાર્થીઓને મેડલ પ્રદાન કરાયા

ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) ના ૧૫મા પદવીદાન સમારંભમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતાને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.

January 22, 2026
Gujarat
જીટીયુની વિવિધ વિદ્યાશાખાના ૩૬,૯૩૫ વિદ્યાર્થીઓને પદવી, ૭૦ વિદ્યાર્થીઓને પીએચ.ડી તથા ૧૪૭ વિદ્યાર્થીઓને મેડલ પ્રદાન કરાયા
ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU) ના ૧૫મા પદવીદાન સમારંભમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતાને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. આધુનિક ટેકનિકલ વિકાસ પર ચર્ચા કરતાં તેમણે જણાવ્યું કે જાે ભણેલી વ્યક્તિ બીજાના દુ:ખને ન સમજી શકે, તો આવું શિક્ષણ પથ્થર સમાન છે. તેમણે વિદ્યાર્થીઓને ટેકનિકલ પ્રગતિ સાથે નૈતિકતા, ઈમાનદારી અને કરુણા જેવાં જીવનમૂલ્યો અપનાવવા પર ભાર મૂક્યો હતો. અમદાવાદના સાયન્સ સિટી ખાતે આયોજિત દીક્ષાંત સમારોહમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કુલાધિપતિ અને રાજ્યપાલશ્રીએ છેલ્લાં એક દસકાની દેશની વિકાસયાત્રા વિશે વાત કરતાં કહ્યું કે આજથી ૧૧ વર્ષ પહેલાં આપણો દેશ આર્થિક દૃષ્ટિએ વિશ્વમાં ૧૧મા ક્રમે હતો, પરંતુ આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મક્કમ નિર્ધારને કારણે ભારત વિશ્વનું ચોથું સૌથી મોટું અર્થતંત્ર બન્યો છે અને હવે ઝડપથી ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યો છે. તેમણે ટેકનોલોજીનો વ્યાપ અને ભારતની પ્રગતિનો હવાલો આપીને કહ્યું કે આજે આપણા રેલવે સ્ટેશનો અને એરપોર્ટ્સ દુનિયાના વિકસિત દેશો કરતાં પણ આધુનિક અને ટેકનોલોજીથી સજ્જ છે. તો બીજી તરફ, દેશના વિકસિત રોડ નેટવર્કના કારણે દિવસોની મુસાફરી હવે કલાકોમાં પૂર્ણ થાય છે. આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત સમારોહની થીમ ‘સ્વદેશી‘ અને ‘આર્ત્મનિભર‘નો ઉલ્લેખ કરીને કહ્યું કે આજે આપણાં આપણાં સંતાનો વિદેશ ભણવા જાય, તો આપણને ગર્વ થાય છે, પણ આપણે એ પણ યાદ રાખવું જાેઈએ કે ભારતની ભૂમિએ જ વિશ્વને સંસ્કાર અને ચરિત્રની શિક્ષા આપી છે. એક સમય હતો, જ્યારે દુનિયાભરના લોકો અહીં ભૌતિક અને આધ્યાત્મિક જ્ઞાન મેળવવા આવતા હતા. તેમણે આદર્શ શિક્ષણની વ્યાખ્યા કરતાં કહ્યું કે માત્ર ભૌતિક સુખ સુવિધાઓ, સારું મકાન કે ગાડી મેળવવી એ જ સાચું શિક્ષણ નથી. શિક્ષણ તો મનને સંતોષ અને શાંતિ પણ આપે છે. દેશની નવી શિક્ષણ નીતિ (NEP 2020) પણ આ જ વિચારને આગળ ધપાવે છે તેમ તેમણે ઉમેર્યું હતું. વડાપ્રધાનશ્રીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ મંત્રનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે દુનિયા પાસે ભૌતિક સાધનો હોવા છતાં આજે માનસિક શાંતિનો અભાવ છે. જાે ભણેલો ગણેલો વ્યક્તિ બીજાના દુ:ખને પોતાનું ન સમજી શકે, તો તે શિક્ષણ પથ્થર સમાન છે. સાચો શિક્ષિત એ જ છે જે સંવેદનશીલ હોય અને નૈતિક મૂલ્યો ધરાવતો હોય. રાજ્યપાલશ્રીએ કહ્યું કે ‘વસુધૈવ કુટુંબકમ‘ની ભાવના આપણા લોહીમાં છે. આપણે ‘મારું અને તારું‘ નહીં, પણ ‘સર્વે ભવન્તુ સુખિન:‘ના મંત્રને અનુસરીએ છીએ. ઇતિહાસ સાક્ષી છે કે આપણે ક્યારેય બીજાના ભૂખંડ જીતવા માટે સેનાઓ નથી મોકલી, પરંતુ જ્ઞાનના માધ્યમથી લોકોના હૃદય જીતવા માટે ગુરુઓને મોકલ્યા છે. ત્યારે આપણે ગુલામીની માનસિકતા ત્યજીને આપણી સંસ્કૃતિ, ભાષા અને વેશભૂષા પર ગર્વ કરવા પર તેમણે ભાર મૂક્યો હતો. તેમણે દેશની અખૂટ યુવાશક્તિ અને જ્ઞાનશક્તિ વિશે જણાવ્યું કે આજે અમેરિકા જેવા દેશોમાં પણ ભારતીય પ્રતિભા જ કામ કરી રહી છે. ત્યારે ભારતીય યુવાનોમાં દેશના સ્વાભિમાનને જાગૃત કરી, પોતાની શક્તિઓનો દેશના ઉત્થાન માટે ઉપયોગ કરવા કહ્યું હતું.  આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ તમામ ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓને શીખ આપતાં કહ્યું કે આ અર્જિત કરેલું  જ્ઞાન અને ડિગ્રી ત્યારે જ સાર્થક ગણાશે, જ્યારે તેનો દેશની ઉન્નતિમાં ઉપયોગ થશે. તેમણે વડાપ્રધાનશ્રીના ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના અને પુન: વિશ્વગુરુ બનાવવાના સ્વપ્નમાં પોતાનું યોગદાન આપવા સૌ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. આ સમારોહમાં ઉપસ્થિત નેશનલ સ્ટોક એક્સચેન્જના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ તથા અલાહાબાદ યુનિવર્સિટીના કુલાધિપતિ શ્રી આશિષ ચૌહાણે પદવી મેળવનારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી પોતાના અમદાવાદ સાથેનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં. શ્રી ચૌહાણે ટેકનોલોજીને સામાજિક પરિવર્તનનું મુખ્ય માધ્યમ ગણાવતાં કહ્યું કે હવેનો સમય ભારતનો છે. ટેકનોલોજી માત્ર એક સાધન છે. જે ઇરાદાઓને વધારે મજબૂત બનાવે છે. સફળતા માત્ર અદ્યતન સિસ્ટમથી નહીં, પરંતુ પારદર્શિતા, શિસ્ત અને નૈતિકતા પર આધારિત માનવ ક્ષમતાઓથી મળે છે. તેમણે કહ્યું કે જવાબદારી વિનાની શક્તિ જાેખમી છે. પ્રતિષ્ઠા મેળવવામાં વર્ષો લાગે છે, ‘વિશ્વાસ‘ એ સૌથી મૂલ્યવાન સંપત્તિ છે, પરંતુ તેને એકવાર ગુમાવ્યા પછી સરળતાથી પ્રાપ્ત થતી નથી. જીવનમાં સફળ થવા માટે તેમણે વિદ્યાર્થીઓને જવાબદાર, જિજ્ઞાસુ, ગણતરીપૂર્વકનું જાેખમ લેવાની હિંમત કેળવવા અને પ્રામાણિકતા જાળવી રાખવા સૂચવ્યું . અંતમાં, તેમણે સતત શીખતા રહેવાની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. જીટીયુના કુલપતિ ડૉ. રાજુલ ગજ્જરે વિશ્વ વિદ્યાલયની રૂપરેખા આપતાં જણાવ્યું કે જીટીયુમાં સંશોધન, નવાચાર અને ઉચ્ચ શૈક્ષણિક અધ્યયન સતત મજબૂત બની રહ્યું છે. આ યુનિવર્સિટી ગુજરાત અને દેશ માટે તકનીકી માનવ સંસાધન, વ્યાવસાયિક નેતૃત્વ અને જ્ઞાન આધારિત કાર્યશક્તિ વિકસાવવાની કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. તેમણે કહ્યું કે આ યુનિવર્સિટીએ રાષ્ટ્રીયસ્તરે ઈન્ડસ્ટ્રીઝ, ઇનોવેશન અને ઇન્ફ્રાસ્ટકચરના ત્રિવેણી સંગમ થકી વિદ્યાર્થીઓના વિકાસ સાથે રોજગારીનું સર્જન કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે એક નવતર પહેલ તરીકે આજે પદવી મેળવનારા તમામ વિદ્યાર્થીઓ તેમનાં પ્રમાણપત્રો સીધા જ તેમના ડિજિલૉકરમાં જાેઈ શકશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે.એન. ખેરે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે આજે વિદ્યાર્થીઓના જીવનમાં નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. તેમણે શિક્ષા અને સંસ્કારોના માધ્યમથી ‘સ્વદેશી’ અને ‘આર્ત્મનિભર ભારત’ના મંત્રને સાર્થક કરવા અને રાષ્ટ્રને ગૌરવ અપાવવા માટે પ્રતિબદ્ધ થવા સૌ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ દીક્ષાંત સમારોહ યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખાના કુલ ૩૬,૯૩૫ વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમાની પદવી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, ૭૦ સંશોધકોને PHD. ડિગ્રી અને ૧૪૭ સ્વર્ણપદક એનાયત કરાયા હતા. કાર્યક્રમના અંતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તેમજ અન્ય મહાનુભાવોએ પ્રદર્શનમાં વિવિધ સ્ટોલની મુલાકાત લઈને માહિતી મેળવી હતી. આ પ્રસંગે ટેકનિકલ એજ્યુકેશન કમિશનર બી.એચ. તલાટી, જીટીયુના પ્રાધ્યાપકો, શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ અને વિદ્યાર્થીઓ તેમજ તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
Sponsored
Mobile Ad