ભારત અને જર્મની વચ્ચે શિક્ષણથી લઈને સેમિકંડક્ટર સુધી ૪ મહત્ત્વપૂર્ણ MOU

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચે થયેલા કરારોને ભરોસાનું પ્રતીક જણાવી સંરક્ષણ વ્યાપાર અને રોડમેપ તૈયાર કરવાની વાત કરી હતી

January 12, 2026
National
ભારત અને જર્મની વચ્ચે શિક્ષણથી લઈને સેમિકંડક્ટર સુધી ૪ મહત્ત્વપૂર્ણ MOU
ગાંધીનગર, તા.૧૨, ભારત અને જર્મની વચ્ચે આજે ૧૨ જાન્યુઆરીના રોજ સંરક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રે મહત્વના કરાર થયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે ક્રિટિકલ મિનરલ્સ, સેમીકંડકટર અને શિક્ષણ સહિત મોટા ૪ MoUs (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પણ કર્યા, વડાપ્રધાન મોદીએ બંને દેશો વચ્ચે થયેલા કરારોને ભરોસાનું પ્રતીક જણાવી સંરક્ષણ વ્યાપાર અને રોડમેપ તૈયાર કરવાની વાત કરી.૧૨ જાન્યુઆરી ભારત માટે કૂટનૈતિક અને ભવિષ્યની રણનીતિને લઈને ખૂબ જ ખાસ દિવસ રહ્યો, એક તરફ સમગ્ર દેશ સ્વામી વિવેકાનંદની જયંતી મનાવી રહ્યો છે, તો બીજી તરફ ગુજરાતથી ભારત અને જર્મનીના સંબંધોનો નવો પાયો નાખવામાં આવ્યો છે. જર્મન ચાન્સેલરની ભારત યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે એવા કરારો થયા જેની સીધી અસર સુરક્ષા, શિક્ષણ, ટેકનિકલ વિકાસને થશે, વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર વચ્ચે માત્ર વાતચીત જ નહીં પણ ભવિષ્યને ધ્યાનમાં રાખીને સંરક્ષણથી લઈને સેમીકંડકટર સુધી આવનારા પડકારોને ઝીલવાનો રોડમેપ પણ તૈયાર કરવામાં આવ્યો. આ હાઈ પ્રોફાઈલ મુલાકાત પર દુનિયાની નજર હતી, જેમી ૪ મુખ્ય MoUs (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) થયા, જેના પર બંને દેશોએ મંજૂરીની મહોર લગાવી, સૌથી અગત્યનો કરાર ક્રિટિકલ મિનરલ્સ, સેમીકંડકટરને લઈને થયો, આજના ડિજિટલ યુગમાં મોબાઈલથી લઈને મિસાઈલ સુધી દરેક જગ્યાએ સેમીકંડકટરની જરૂર પડી રહી છે, તેવામાં જર્મનીનો સાથ મળશે તો ભારતની ટેકનિકલ ક્ષમતાઓને નવી ગતિ મળશે. આ ઉપરાંત સંરક્ષણ કરાર પર એક સંયુક્ત ઘોષણાપત્ર પણ જાહેર કરવામાં આવ્યું,PM મોદીએ સાફ શબ્દોમાં કહ્યું કે રક્ષા અને સુરક્ષામાં બંને દેશોનો સહકાર પરસ્પર ભરોસાનું પ્રતીક છે, બંને દેશ હવે સંરક્ષણ વેપારને આગળ વધારવા રોડમેપ તૈયાર કરશે. ત્રીજાે કરાર હાયર એજ્યુકેશન એટલે કે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે થયો, જેથી ભારતીય વિદ્યાથીઓ માટે નવા અવસર ઊભા થશે તેવા આશા છે. ઉપરાંત, આયુર્વેદને વિશ્વના મંચ પર લઈ જવા પણ બંને દેશે હાથ મળાવ્યાં છે. વાતચીત માત્ર વેપાર પૂરતી સીમિત ન હતી, પ્રધાનમંત્રી મોદીએ વૈશ્વિક શાંતિ અને સુરક્ષાના મુદ્દે પણ જર્મન ચાન્સેલર સાથે ગહન ચર્ચાઓ કરી, બંને નેતાઓએ યુક્રેન અને ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષ અંગે મંત્રણા કરી, આ દરમિયાન PM મોદીએ આતંકવાદને લઈને કડક વલણ રાખતા કહ્યું કે આતંકવાદ માનવતા માટે ખતરો છે, સાથે સ્પષ્ટ સંકેત આપ્યો કે ભારત સુરક્ષાના મામલે દુનિયાને એકસાથે લાવવાનો પ્રત્યન કરી રહ્યું છે, આ અભિયાનમાં જર્મની એક મહત્વનું ભાગીદાર છે. PM મોદીએ એ પણ યાદ અપાવ્યું કે ભારતમાં ૨ હજારથી વધુ જર્મન કંપનીઓ લાંબા સમયથી કામ કરી રહી છે. જે બંને દેશોના સંબંધોની ઊંડાઈને ઉજાગર કરે છે. વડાપ્રધાન મોદીએ જર્મન ચાન્સેલરની ભારત યાત્રાને સ્વામી વિવેકાનંદના જન્મ દિવસ સાથે જાેડતા કહ્યું કે, સ્વામીજીએ ભારત અને જર્મની વચ્ચે દર્શન અને ન્યાયના સંબંધોની વકીલાત કરી હતી, તો બીજી તરફ જર્મન ચાન્સેલરે તેમનો અનુભવ જણાવતા કહ્યું કે, આજે સવારે જ મહાત્મા ગાંધી સાથે જાેડાયેલા સ્થળની મુલાકાત કરી, તેમણે ગાંધીજીના એ પ્રસિદ્ધ કથનને યાદ કર્યું કે જે પરિવર્તન તમે દુનિયામાં જાેવા માંગો છો, તે તમે બનો, જર્મન ચાન્સલરે અમદાવાદને આધુનિક ભારતનો પાયો બતાવી કહ્યું હતું કે  ગાંધીજીએ અહીંથી જ સંઘર્ષની શરૂઆત કરી હતી.
Sponsored
Mobile Ad