અંબાજીમાં પોષી પૂનમે માં અંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી થશે

ભક્તો સરળતાથી અને ઝડપથી માતાજીના દર્શન કરી શકે તેવી લાઈન વ્યવસ્થા અને સુવિધાઓ ઉભી કરવામાં આવશે

January 1, 2026
Gujarat
અંબાજીમાં પોષી પૂનમે માં અંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી થશે
અંબાજી,તા.૧, શક્તિપીઠ અંબાજી ખાતે પોષી પૂનમના પવિત્ર અવસરે મા અંબાના પ્રાગટ્ય મહોત્સવને યાદગાર બનાવવા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આ મહોત્સવના સુચારુ આયોજન માટે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં યાત્રાળુઓની સુવિધા અને સુરક્ષાને લઈને અનેક ર્નિણયો લેવામાં આવ્યા છે. પોષ સુદ પૂનમ એટલે જગતજનની મા અંબાનો પ્રાગટ્ય દિવસ. આ દિવસે અંબાજીમાં લાખોની સંખ્યામાં માઈભક્તો ઉમટી પડે છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા આ વર્ષે પણ પરંપરાગત રીતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવની શરૂઆત પરંપરાગત વિધિઓ સાથે કરવામાં આવશે: જ્યોત આગમન: ગબ્બર ખાતેથી પવિત્ર જ્યોત લાવવામાં આવશે. ભવ્ય શોભાયાત્રા: શક્તિદ્વાર ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. સાંસ્કૃતિક વારસો: આ શોભાયાત્રામાં ૪૦થી વધુ આકર્ષક ઝાંખીઓ સામેલ થશે, જે માતાજીના વિવિધ સ્વરૂપો અને ધાર્મિક મહત્વને રજૂ કરશે. બેઠક દરમિયાન અધિક કલેક્ટરે તમામ વિભાગોને સંકલનમાં રહી કામ કરવા સૂચના આપી છે. મોટી જનમેદનીને ધ્યાને રાખીને મંદિર પરિસર અને સમગ્ર શહેરમાં વિશેષ પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવશે. યાત્રાળુઓને આવવા-જવામાં કોઈ તકલીફ ન પડે તે માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ ટ્રાફિક પ્લાન તૈયાર કરાયો છે. ભક્તો સરળતાથી અને ઝડપથી માતાજીના દર્શન કરી શકે તેવી લાઈન વ્યવસ્થા અને સુવિધાઓ ઉભી કરવામાં આવશે. પોષી પૂનમના દિવસે માતાજીને વિશેષ શણગાર અને અન્નકૂટ પણ ધરવામાં આવે છે. વહીવટી તંત્ર અને સેવા સમિતિના સંયુક્ત પ્રયાસોથી આ વર્ષનો પ્રાગટ્ય મહોત્સવ વધુ ભવ્ય અને યાદગાર બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
Sponsored
Mobile Ad