જર્મનીના ચાન્સેલર ગાંધી આશ્રમની મુલાકાતથી ભારે પ્રભાવિત થયા
મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝએ ગાંધી આશ્રમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
January 12, 2026
Ahmedabad
અમદાવાદ, તા.૧૨, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝએ અમદાવાદના સાબરમતી નદીના તટે ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે બંને મહાનુભાવોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વડાપ્રધાન અને જર્મનીના ચાન્સેલરએ આશ્રમમાં ગાંધીજીના નિવાસસ્થાન હૃદય કુંજની પણ મુલાકાત લઈ રેંટિયો કાંતવાની પ્રક્રિયાને નિહાળી હતી. ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ગાંધીજીના સાદગીપૂર્ણ જીવન, આર્ત્મનિભરતાના સંદેશ તેમજ સત્ય અને અહિંસાના મૂલ્યો અંગે બંને નેતાઓએ ઊંડો આદર ભાવ વ્યક્ત કર્યો હતો. જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ ગાંધી આશ્રમની મુલાકાત લઈ પ્રભાવિત થયા હતા. તેમણે વિઝિટર્સ બુકમાં મેસેજ આપતા જણાવ્યું કે, સ્વતંત્રતાની શક્તિ અને દરેક વ્યક્તિના મનમાં મહાત્મા ગાંધીનો અડગ વિશ્વાસ આજે પણ આપણને પ્રેરણા આપે છે. આ માનવીય વારસો ભારત અને જર્મનીના લોકોને મિત્રતા દ્વારા એકસાથે જાેડે છે, દુનિયામાં આજે પણ ગાંધીજીના ઉપદેશો એટલા જ પ્રસ્તુત છે. ગાંધી આશ્રમની આ મુલાકાત પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, રાજ્યના મુખ્ય સચિવ એમ. કે. દાસ, સાબરમતી આશ્રમના ચેરપર્સન કાર્તિકેય સારાભાઈ, સાબરમતી આશ્રમ રિવડેલપમેન્ટ કમિટીના ચેરમેન આઈ.પી. ગૌતમ, અમદાવાદ કલેક્ટર સુજીત કુમાર તથા જર્મન ડેલીગેશન અને ગાંધી આશ્રમ સાથે સંકળાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો ત્રીજાે દિવસ છે. આજે સવારે તેમણે જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. જે બાદ પીએમ મોદી સહિત જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૬’નું ઉદ્ઘાટન કર્યું છે. આ ઉદ્ઘાટન સમારોહમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે જાેડાયા હતા.
Sponsored
Mobile Ad