કતારગામ-અમરોલી બ્રિજનું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે

આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિકો અને બ્રિજ નિર્માણ સાથે જાેડાયેલા કોન્ટ્રાક્ટરો સાથે પણ ચર્ચા કરી હતી

January 4, 2026
Gujarat
કતારગામ-અમરોલી બ્રિજનું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે
સુરત,તા.૪, સુરતના કતારગામથી અમરોલી જતો બ્રિજ તૈયાર. મેયર દક્ષેશ માવાણીએ કામગીરીની સમીક્ષા કરી. જાણો ક્યારે થશે લોકાર્પણ અને કેવી મળશે ટ્રાફિકમાં રાહત.બ્રિજ સિટી‘ તરીકે ઓળખાતા સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે વધુ એક મહત્વનો બ્રિજ ટૂંક સમયમાં લોકાર્પણ માટે તૈયાર છે. કતારગામના ગજેરા સર્કલ પાસે થતા ભારે ટ્રાફિકના ભારણને ઘટાડવા માટે નિર્મિત કતારગામ-અમરોલી બ્રિજનો એક તરફનો ભાગ આગામી થોડા દિવસોમાં જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.આજ રોજ સુરતના મેયર દક્ષેશ માવાણીએ બ્રિજની મુલાકાત લીધી હતી. તેમણે બ્રિજની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને નિર્ધારિત સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિકો અને બ્રિજ નિર્માણ સાથે જાેડાયેલા કોન્ટ્રાક્ટરો સાથે પણ ચર્ચા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બે મહિના પહેલા પણ મેયરે આ કામગીરીની મુલાકાત લીધી હતી અને ઢીલી કામગીરી બદલ અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરનો ઉધડો લીધો હતો. કતારગામ ગજેરા સર્કલ વિસ્તારમાં સવાર-સાંજ ટ્રાફિકની ગંભીર સમસ્યા રહેતી હોય છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આશરે બે વર્ષ પહેલાં આ બ્રિજનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં કતારગામથી અમરોલી તરફ જવાનો એક સાઈડનો બ્રિજ સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે. જાેકે, અમરોલીથી કતારગામ આવતા બ્રિજનું કામ પૂર્ણ થતા હજુ અંદાજે ૬ મહિના જેટલો સમય લાગી શકે તેમ છે. બ્રિજનો એક ભાગ ખુલ્લો થવાથી હજારો વાહનચાલકોને ગજેરા સર્કલ પરના ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. ટૂંક સમયમાં જ આ બ્રિજનું વિધિવત લોકાર્પણ કરવામાં આવશે, જેનાથી અમરોલી અને કતારગામ વચ્ચેની અવરજવર વધુ સરળ અને ઝડપી બનશે.
Sponsored
Mobile Ad