ગુજરાતમાં તોલમાપ તંત્રની મોટી કાર્યવાહી કરવામાં આવી

૨૫ જિલ્લાઓમાં 370 સોના-ચાંદીની દુકાનો અને જ્વેલરી શો રૂમની આકસ્મિક તપાસ કરાઈ

January 4, 2026
Gujarat
ગુજરાતમાં તોલમાપ તંત્રની મોટી કાર્યવાહી કરવામાં આવી
અમદાવાદ,તા.૪, તોલમાપ તંત્ર  દ્વારા રાજ્યની ૩૭૦ જેટલી સોના- ચાંદી દુકાનો અને જ્વેલરી શો રૂમ પર આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાઇ હતી જેમાં રાજ્યના ૨૫ જિલ્લાઓમાં વિવિધ એકમો ઉપર ૨૫૩ જેટલા પ્રોસિક્યુશન કેસ કરીને રૂ.૬.૭૯ લાખની માંડવાળ ફી સ્થળ પર જ વસૂલાઈ હતી.ગત વર્ષ દરમિયાન વિવિધ વેપારીઓ પાસેથી વિવિધ ગેરરીતિ બદલ કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા કુલ રૂ.૧૮.૭૭ લાખથી વધુની માંડવાળ ફી વસૂલ કરાઈ હતી.ગ્રાહકોના હિતોની રક્ષા,વેપારમાં પારદર્શિતા અને યોગ્ય માપતોલ સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યભરમાં નિયમિત રીતે કાર્યવાહીની સાથે ગ્રાહક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે.આ અભિયાનના ભાગરૂપે ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી રમણ સોલંકી તેમજ રાજ્ય મંત્રી પી.સી બરંડાના નેતૃત્વમાં તોલમાપ તંત્ર  દ્વારા તા. ૦૨ અને ૦૩ જાન્યુઆરી-૨૦૨૬ના રોજ રાજ્યના ૩૭૦ જેટલા સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમ પર સામૂહિક આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાવામાં આવી હતી. જેમાં તોલમાપ તંત્ર ના અધિકારીઓ દ્વારા રાજ્યના ૨૫ જિલ્લાઓમાં ૨૫૩ પ્રોસિક્યુશન કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી કરીને રૂ.૬,૭૯,૦૦૦/-જેટલી માંડવાળ ફીની વસૂલાત કરવામાં આવી છે. આ તમામ માંડવાળ ફીની વસૂલાત સ્થળ ઉપર જ અને ચેકથી વસૂલવામાં આવી છે તેમ, કાનૂની માપવિજ્ઞાન તંત્ર, ગાંધીનગર દ્વારા જણાવાયું છે. આ તપાસમાં મુખ્યત્વે અમદાવાદમાં સૌથી વધુ ૬૧ એકમોની તપાસ સામે ૨૨ કેસ, ભરૂચ-નર્મદામાં ૨૭ એકમોની તપાસ સામે ૨૫ કેસ, જૂનાગઢ-ગીરસોમનાથમાં ૨૧એકમોની તપાસ સામે ૨૦ કેસ, ભાવનગર,બોટાદમાં ૨૦ એકમોની તપાસ સામે ૧૭ કેસ તથા સુરતમાં ૨૦ એકમોની તપાસ સામે ૧૪ કેસ દાખલ કરવામાં આવ્યા છે.તોલમાપ તંત્રએ આ સિવાય તપાસમાં ગાંધીનગર, વડોદરા,પાટણ ,છોટાઉદેપુર, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, પોરબંદર, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા-પાલનપુર, સાબરકાંઠા-હિંમતનગર, અરવલ્લી-મોડાસા, રાજકોટ અને મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે.કાનૂની માપવિજ્ઞાન તંત્રના જણાવ્યા મુજબ તોલમાપ તંત્રની ઝુંબેશ દરમિયાન રાજ્યના અલગ-અલગ સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમની આકસ્મિક તપાસણી હાથ ધરતાં નિયત કાયદા હેઠળના અમલીકરણ નિયમ/કલમોના ભંગ બદલ એકમો સામે ગુન્હાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઝુંબેશ દરમિયાન સોના,ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમમાં વપરાતા વજનકાંટાની તપાસ કરતાં ચકાસણી-મુદ્રાંકન સિવાયના વજન-માપ ઉપયોગમાં લેવા, નિયત વજન કરતાં ઓછું વજન આપવું, ફેર ચકાસણી અને મુદ્રાંકન કરાવ્યા સિવાયના વજનમાપ ઉપયોગમાં લેવા, ચોકસાઈ ચકાસવા માટે ચકાસણી અને મુદ્રાંકન થયેલ સિવાયના વજનો રાખવા, ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવું જેવી વિવિધ ગેરરીતિઓ સામે આવી છે.
Sponsored
Mobile Ad