ત્રિશૂર રેલવે સ્ટેશન પર મોટી આગ, 200 થી વધુ વાહનો બળીને ખાખ
અધિકારીઓએ જણાવ્યું છે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ, ઇંધણ લીકેજ અથવા અન્ય કોઈ તકનીકી ખામીના કારણે આગ લાગી હોવાની શક્યતા છે
January 4, 2026
National
કેરળ,તા.૪, કેરળના ત્રિશૂર રેલ્વે સ્ટેશન પર રવિવારે વહેલી સવારે થયેલી ભીષણ આગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચાવી દીધો. આ આગમાં સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરાયેલા ૨૦૦થી વધુ ટુ-વ્હીલર બળીને ખાખ થઈ ગયા. રવિવારે સવારે કેરળના ત્રિશૂર રેલ્વે સ્ટેશન પર એક મોટી આગની ઘટના બની હતી. પ્લેટફોર્મ નંબર ૨ પાસે આવેલા ટુ-વ્હીલર પાર્કિંગ વિસ્તારમાં સવારે અંદાજે ૬:૪૫ વાગ્યે અચાનક આગ લાગી હતી. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને ત્યાં પાર્ક કરાયેલા ૨૦૦થી વધુ મોટરસાયકલ અને સ્કૂટર બળીને ખાખ થઈ ગયા. આ પાર્કિંગ વિસ્તારમાં રોજિંદા ધોરણે લગભગ ૫૦૦થી વધુ ટુ-વ્હીલર પાર્ક કરવામાં આવે છે. આગ લાગ્યા સમયે પણ મોટી સંખ્યામાં વાહનો પાર્ક કરેલા હતા. વાહનોમાં રહેલા પેટ્રોલ અને અન્ય બળતણના કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે. આગની ઊંચી જ્વાળાઓ અને ઘાટો ધુમાડો જાેઈને મુસાફરો, સ્ટેશન સ્ટાફ અને આસપાસના સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.આગની જાણ થતાં જ ફાયર અને રેસ્ક્યુ સર્વિસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અનેક ફાયર ટેન્ડરોની મદદથી લગભગ અડધા કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. જાે કે આગ બુઝાવી દેવામાં આવી હતી, પરંતુ લાંબા સમય સુધી વિસ્તારમાં ધુમાડો છવાયેલો રહ્યો, જેના કારણે મુસાફરોને તકલીફ પડી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઘણા વાહનો સંપૂર્ણ રીતે બળી ગયા હતા અને માત્ર લોખંડનો બળેલો ભાગ જ બચ્યો હતો. કેટલાક વાહનોને આંશિક નુકસાન થયું હતું. પાર્કિંગમાં વાહન મૂકીને મુસાફરી માટે ગયેલા અનેક લોકો ઘટનાની જાણ થતાં જ સ્ટેશન પર પહોંચ્યા હતા, પરંતુ પોતાના વાહનો રાખમાં ફેરવાયેલા જાેઈને તેઓ દુ:ખી અને નિરાશ થયા હતા. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. અધિકારીઓએ જણાવ્યું છે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ, ઇંધણ લીકેજ અથવા અન્ય કોઈ તકનીકી ખામીના કારણે આગ લાગી હોવાની શક્યતા છે. આ સમગ્ર ઘટનાની વિગતવાર તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ સાચું કારણ જાહેર કરવામાં આવશે.
Sponsored
Mobile Ad