લીબિયામાં અપહરણ કરી બંધક બનાવનાર મહેસાણાના દંપતીનો આખરે છૂટકારો

મહેસાણામાં રહેતા આ પરિવારના ભાઈએ અપહરણકારો સાથે સતત વાતચીત અને બાર્ગેનિંગ ચાલુ રાખ્યું હતું

December 25, 2025
International
લીબિયામાં અપહરણ કરી બંધક બનાવનાર મહેસાણાના દંપતીનો આખરે છૂટકારો
મહેસાણા, તા.૨૫, વિદેશ જવાની ઘેલછામાં ઉત્તર ગુજરાતના પરિવારો અવારનવાર મુશ્કેલીમાં મુકાતા હોવાના કેટલાક કિસ્સાઓ આપણે સાંભળ્યા છે. ત્યારે મહેસાણાના બદલપુરા (મેઉ) ગામના એક પરિવાર માટે ડોલરનું સપનું દુ:સ્વપ્ન સાબિત થયું હતું. પોર્ટુગલ જવા નીકળેલા આ પરિવારને પહેલા દુબઈ અને પછી લિબિયા લઈ જઈને ગોંધી રાખવામાં આવ્યા હતા. લીબિયામાં દંપતી અને બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. આખરે ૮૦થી ૮૫ લાખ રૂપિયાની ખંડણી ચૂકવ્યા બાદ દંપતી અને તેમની ત્રણ વર્ષની બાળકી હેમખેમ વતન પરત ફર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મહેસાણાના બદલપુરા ગામનું આ દંપતી તેમની માસૂમ બાળકી સાથે ગત ૨૯ નવેમ્બરના રોજ દુબઈથી પોર્ટુગલ જવા નીકળ્યું હતું. પરિવારે એજન્ટને અગાઉથી જ ૩૦ લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. જાેકે, ક્રૂર એજન્ટોએ તેમને પોર્ટુગલ મોકલવાને બદલે લિબિયા ઉતારી દીધા હતા, જ્યાં સ્થાનિક અપહરણકર્તાઓએ આખા પરિવારને બંધક બનાવી લીધો હતો. અપહરણકારોએ પરિવારને બંધક બનાવીને તેમના સંબંધીઓ પાસે બે કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. પરિસ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે અપહરણકારોએ વીડિયો કૉલ દ્વારા પરિવારને મારી નાંખવાની ધમકી આપીને ટોર્ચર કરવાનું શરૂ કર્યું. મહેસાણામાં રહેતા આ પરિવારના ભાઈએ અપહરણકારો સાથે સતત વાતચીત અને બાર્ગેનિંગ ચાલુ રાખ્યું હતું. અંતે બે કરોડના બદલે ૮૦થી ૮૫ લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરવાનું નક્કી થયું હતું. આ રકમ ચૂકવ્યા બાદ અપહરણકારોએ પરિવારને મુક્ત કર્યો હતો. આમ, એજન્ટના ૩૦ લાખ અને ખંડણીના ૮૦થી ૮૫ લાખ મળીને પરિવારે કુલ ૧.૧૫ કરોડ જેટલા રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. મોતના મુખમાંથી હેમખેમ પાછા ફરેલા પરિવારે ઘરે પહોંચતા જ ભગવાનનો આભાર માન્યો હતો. આ પરિવાર પાછો ફરે તે માટે અનેક માનતાઓ પૂરી કરી હતી. જાેકે, આ ઘટના બાદ પરિવારમાં ભારે આક્રોશ છે. જે એજન્ટોએ તેમને છેતરીને લિબિયા મોકલ્યા અને મોતના મુખમાં ધકેલ્યા, તેમની સામે હવે પરિવાર પોલીસ ફરિયાદ નોંધાવવાની તૈયારી કરી રહ્યો છે. અપહૃત થયેલી વ્યક્તિએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, અમને પહેલા દુબઈ લઈ ગયા ત્યાં બેથી ત્રણ દિવસ રાખ્યા તે પછી અમને લીબિયા લઈ જવામાં આવ્યા હતા. ત્યાં અમે પહેલીથી ૧૭મી તારીખ સુધી રાખવામાં આવ્યાં. અમારા પાસપોર્ટ, મોબાઈલ બધું લઈ લીધું, અમને જમવાનું પણ આપવાનું ન હતા. એ લોકો અમારી પાસે નહીં પરંતુ ઘરે જ રૂપિયાની માંગણી કરતા હતા. અમને બધાને અલગ અલગ જગ્યાએ રાખ્યા હતા. તે લોકો કહેતા હતા કે તું તારા પરિવાર સામે રડીશ તો જ અમને રૂપિયા આપશે. અમને માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા.
Sponsored
Mobile Ad