કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર પ્રતિબંધ
ચારધામ યાત્રાની તૈયારીઓ અંગે ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ
January 18, 2026
National
દેહરાદુન, તા.૧૮, ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા દરમિયાન મંદિરોની પવિત્રતા અને ગરિમા જાળવવા માટે એક મહત્વપૂર્ણ અને દૂરંદેશી પગલું ભર્યું છે. ધાર્મિક સ્થળોએ રીલ્સ અને વ્લોગ બનાવવાને લઈને વધી રહેલા વિવાદને ધ્યાનમાં રાખીને, આ વર્ષે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ મૂકવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. વહીવટીતંત્ર માને છે કે આ ર્નિણયથી બિનજરૂરી વિવાદ તો દૂર થશે જ, પરંતુ ભક્તો સંપૂર્ણ ભક્તિ અને એકાગ્રતાથી યાત્રા કરી શકશે. ચારધામ યાત્રાની તૈયારીઓ અંગે શનિવારે ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેની અધ્યક્ષતામાં ચારધામ યાત્રા ટ્રાન્ઝિટ કેમ્પ ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગઢવાલના ઇન્સ્પેક્ટર જનરલ રાજીવ સ્વરૂપ, વિવિધ જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટ અને વિભાગીય અધિકારીઓ હાજર રહ્યા હતા. યાત્રા વ્યવસ્થા અંગે અનેક મહત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા હતા. ગઢવાલ કમિશનર વિનય શંકર પાંડેએ સ્પષ્ટતા કરી હતી કે, છેલ્લા કેટલાક વર્ષોમાં, મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને રીલ્સ અને વ્લોગ બનાવવા અંગે અનેક વિવાદો ઉભા થયા છે, જે મંદિરોની ગરિમા સાથે ચેડા કરે છે. આને ધ્યાનમાં રાખીને, બદ્રીનાથમાં સિંહદ્વારની બહાર મોબાઇલ ફોન પર સખત પ્રતિબંધ રહેશે. ભક્તોને કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રી મંદિર સંકુલમાં મોબાઇલ ફોન લઈ જવાની પણ મનાઈ રહેશે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) અને સંબંધિત જિલ્લા વહીવટીતંત્રો મંદિરોમાં પ્રવેશતા પહેલા ભક્તોના મોબાઇલ ફોનની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યોગ્ય વ્યવસ્થા કરશે.
Sponsored
Mobile Ad