અમદાવાદની નિવૃત્ત મહિલા સાથે રૂપિયા ૮૬.૭૧ લાખની છેતરપિંડી

આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

January 4, 2026
Ahmedabad
અમદાવાદની નિવૃત્ત મહિલા સાથે રૂપિયા ૮૬.૭૧ લાખની છેતરપિંડી
અમદાવાદ,તા.૪, અમદાવાદમાં સાયબર ઠગોએ હવે નિવૃત્ત અને શિક્ષિત નાગરિકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. શેરબજારમાં ટૂંકા સમયમાં ઊંચું વળતર મેળવવાની લાલચ આપીને સેટેલાઈટ વિસ્તારની એક નિવૃત્ત મહિલા પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં નફાની રકમ પરત આપી હતી અને ત્યારબાદ મોટી રકમનું રોકાણ કરાવી છેતરપિંડી આચરી હતી. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદના પોશ ગણાતા સેટેલાઈટ વિસ્તારમાં રહેતા ૬૧ વર્ષીય પારૂલબેન ગોપાણી આ સાયબર ઠગાઈનો ભોગ બન્યા છે. પારૂલબેન અગાઉ એક જાણીતી ફાર્મા કંપનીમાં ક્વોલીટી હેડ તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા છે અને હાલ નિવૃત્ત જીવન ગુજારે છે. નવેમ્બર માસમાં ફેસબુક પર સર્ફિંગ દરમિયાન તેમની નજર શેરબજારમાં રોકાણ કરવાની એક જાહેરાત પર પડી હતી. પારૂલબેન પોતે પણ શેરબજારમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોવાથી તેઓ આ લાલચમાં આવી ગયા હતા અને અંતે તેમણે પોતાની આજીવન મૂડી સમાન ૮૬.૭૧ લાખ ગુમાવવાનો વારો આવ્યો છે.છેતરપિંડીની શરૂઆત ગત ૫ નવેમ્બર ૨૦૨૫ના રોજ થઈ હતી. ફેસબુક પર વિક્રમ કપૂર નામના વ્યક્તિની પ્રોફાઈલ પરથી રોકાણની જાહેરાત જાેઈ પારૂલબેને તેના પર ક્લિક કર્યું હતું, જેનાથી તેઓ એક વ્હોટ્સએપ ગ્રુપમાં જાેડાયા હતા. આરોપી વિક્રમે પોતાની ઓળખ એનાલિસ્ટ તરીકે આપી તેમને ‘VIP26996MIB > study board. Alpha Desk‘ નામના ગ્રુપમાં એડ કર્યા હતા. ત્યારબાદ ઈશિતા પાંડે નામની યુવતીએ કસ્ટમર સપોર્ટ તરીકે વાત કરી પારૂલબેન પાસે ‘MIBAFSS‘ નામની એક નકલી એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી અને તેમાં પાનકાર્ડ સહિતની વિગતો ભરાવી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.ઠગોએ ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે અત્યંત ચાલાકી પૂર્વક રમત રમી હતી. શરૂઆતમાં પારૂલબેને માત્ર ૫૦૦૦ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જે એપ્લિકેશનમાં જમા થયેલું દેખાતું હતું. આ રકમ પર નફો થયો હોવાનું જણાવી આરોપીઓએ પારૂલબેનને ૩૭,૦૦૦ વિડ્રોલ કરવા દીધા હતા.  પોતાના બેંક ખાતામાં પૈસા જમા થતા પારૂલબેનને આ પ્લેટફોર્મ પર સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયો હતો. આ વિશ્વાસનો ફાયદો ઉઠાવી ઠગોએ તેમને વધુ રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, જેના કારણે તેમણે અને તેમના પતિએ (જેઓ બેંકના નિવૃત્ત ક્લાર્ક છે) મોટી રકમ રોકવાનું શરૂ કર્યું હતું. ૫ નવેમ્બર થી ૩૦ ડિસેમ્બરના ગાળામાં પારૂલબેને ટુકડે-ટુકડે કુલ ૮૬,૭૧,૬૪૫ જુદા-જુદા બેંક ખાતાઓમાં જમા કરાવ્યા હતા. આ તમામ રકમ નકલી એપ્લિકેશનમાં નફા સાથે ખૂબ જ મોટી દેખાતી હતી. જાેકે, જ્યારે પારૂલબેને પોતાની મૂળ રકમ અને નફો પરત મેળવવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીઓએ કમિશન અને ટેક્સના નામે વધુ પૈસાની માંગણી કરી હતી. વારંવાર નાણાં માંગવામાં આવતા પારૂલબેનને છેતરપિંડીનો અહેસાસ થયો હતો. તેમણે તાત્કાલિક સાયબર ક્રાઈમ પોલીસમાં વિક્રમ કપૂર અને ઈશિતા પાંડે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
Sponsored
Mobile Ad