ગાંધીનગરમાં રાજ્યસ્તરીય ક્રાઈમ કોન્ફરન્સ શરૂ થઇ
રાજ્યભરના પોલીસના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા પોલીસના વડાઓ તેમજ વિવિધ વિશેષ શાખાના અધિકારીઓ હાજર રહ્યા છે
December 23, 2025
National
ગાંધીનગર,તા.૨૩, ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગાંધીનગર ખાતે આજથી રાજ્યસ્તરીય ક્રાઈમ કોન્ફરન્સ અને પોલીસ ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતેથી બે દિવસીય આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું છે. આ કોન્ફરન્સમાં રાજ્યભરના પોલીસના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા પોલીસના વડાઓ તેમજ વિવિધ વિશેષ શાખાના અધિકારીઓ હાજર રહ્યા છે. બે દિવસ ચાલનારી આ ક્રાઈમ કોન્ફરન્સમાં પોલીસ વિભાગની કામગીરીની સમીક્ષા સાથે ભવિષ્યની વ્યૂહરચના પર વિસ્તૃત ચર્ચા હાથ ધરવામાં આવી રહી છે. કોન્ફરન્સ દરમિયાન દેશ અને રાજ્ય સ્તરે અમલમાં રહેલી બેસ્ટ પ્રેક્ટિસના વિવિધ મોડલ રજૂ કરવામાં આવી રહ્યા છે, જેને ગુજરાતમાં વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા અંગે મંથન થઈ રહ્યું છે.રાષ્ટ્રીય સુરક્ષાને લગતા પડકારો, સરહદી સુરક્ષા, આંતરિક સલામતી તેમજ આતંકવાદ અને સંગઠિત ગુનાઓ સામેની તૈયારી અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી રહી છે. સાથે જ, વધતા સાયબર ગુનાઓ સામે પોલીસની ક્ષમતામાં વધારો કરવા માટે જરૂરી ટેકનોલોજી, તાલીમ અને માનવ સંસાધન અંગે વિસ્તૃત ચર્ચા થઈ રહી છે.ડ્રગ્સના ગેરકાયદે વેપાર અને નશાખોરી સામે ઝીરો ટોલરન્સની નીતિ અમલમાં મૂકવા માટેની વ્યૂહરચનાને પણ આ કોન્ફરન્સમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. રાજ્યમાં ડ્રગ્સ નેટવર્ક તોડવા, આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સંકળાવટ સામે કાર્યવાહી તેમજ યુવાનોને નશાથી દૂર રાખવા માટેના પગલાં અંગે ચર્ચા થઈ રહી છે. વિકસિત ભારત 2047ના વિઝનને અનુરૂપ ગુજરાત પોલીસની ભૂમિકા શું હોવી જાેઈએ તે મુદ્દે પણ મંથન કરવામાં આવી રહ્યું છે. આધુનિક પોલીસિંગ, ટેકનોલોજી આધારિત તપાસ, ઝડપી ન્યાયિક પ્રક્રિયા અને જનવિશ્વાસ વધારવા માટેના પગલાં અંગે અધિકારીઓ દ્વારા સૂચનો આપવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ રાજ્યસ્તરીય કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા છે. તેમના સહિતના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પોલીસ તંત્રને વધુ સજ્જ, જવાબદાર અને જનમૈત્રી બનાવવાની દિશામાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે.આ પોલીસ ચિંતન શિબિરમાંથી મળનારા સૂચનો અને નિષ્કર્ષોના આધારે આગામી દિવસોમાં રાજ્ય પોલીસની નીતિ, કામગીરી અને તાલીમમાં જરૂરી ફેરફાર કરવામાં આવશે તેવી અપેક્ષા છે. બે દિવસીય આ કોન્ફરન્સ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
Sponsored
Mobile Ad