જાલોરમાં મુસાફરોને લઈ જતી બસ ખીણમાં ખાબકકતા બે વ્યક્તિના મોત
આ દુર્ઘટના આહોર પોલીસ સ્ટેશન વિસ્તારના અગવરી ગામ પાસે નેશનલ હાઈવે ૩૨૫ પર બની હતી, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો
January 5, 2026
National
જાલોર, તા.૫, ગુજરાત સાથેની સરહદે આવેલા રાજસ્થાનના જાલોર જિલ્લામાં એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે. સાંચોરથી જયપુર જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસ અનિયંત્રિત થઈને ખાઈમાં પલટી ગઈ હતી. આ ભીષણ દુર્ઘટનામાં એક મહિલા અને એક પુરુષનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ૨૦ જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી પાંચની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.કેવી રીતે દુર્ઘટના સર્જાઈ આ દુર્ઘટના આહોર પોલીસ સ્ટેશન વિસ્તારના અગવરી ગામ પાસે નેશનલ હાઈવે ૩૨૫ પર બની હતી, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ખાનગી ટ્રાવેલ્સની બસ સાંચોરથી જયપુર તરફ જઈ રહી હતી. જ્યારે બસ અગવરી ગામ પાસે પહોંચી, ત્યારે અચાનક રસ્તા પર આવેલા એક પશુને બચાવવાના પ્રયાસમાં ડ્રાઈવરે બસને વાળતા સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે, બસ બેકાબૂ થઈને રસ્તાની બાજુમાં આવેલી ખાઈમાં જઈને પલટી ગઈ. બસ પલટતા જ મુસાફરોમાં ચીસો અને બૂમાબૂમ મચી ગઈ હતી અને ઘણા લોકો બસ નીચે દબાઈ ગયા હતા.અકસ્માતની જાણ થતાં જ આહોર પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હતી. બસ નીચે દબાયેલા યાત્રીઓને બહાર કાઢવા માટે જેસીબી અને ક્રેનની મદદ લેવામાં આવી હતી. તમામ ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ દ્વારા નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં લિયાદરાના રહેવાસી ફગલુરામ બિશ્નોઈ અને તેમના પત્ની હુઆ દેવીનું મોત થયું છે.
Sponsored
Mobile Ad